Latest News Dahod Latest News Feed Video News

  Latest News - Dahod In courtesy of 
સુખસરના ભક્તો શિરડીમાં લુંટાયાBack to News Index 
- લૂંટારુઓએ આસપાસની હોટલના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા

ફતેપુરા તાલુકાના સુખસર નજીકના ભક્તો શિરડી દર્શનાર્થો ગયા હતા. જ્યાં રાત્રીના સમયે આઠથી દસ જેટલા લૂટારુઓએ સુમો ગાડીમાં સુઇ રહેલા ચાલકને ઉઠાડીને રિવોલ્વર બતાવી નાણાં કાઢી લીધા હતા. ત્યાર બાદ સુમો ગાડી પણ લૂંટીને ભાગી છુટ્યા હતા. આ બાબતે સુમો માલિક મેહુલ પરમારે રાહતા(મહારાષ્ટ્ર) પોલીસ મથકે બનાવ સંબંધે ફરિયાદ નોંધાવી છે.

ફતેપુરા તાલુકાના સુખસર નજીકના ભોજેલા ગામના સુરજબેન બારિયા તેમના પરિવાર સાથે તેરસીંગભાઇ પરમારની સુમો ગાડીમાં શિરડી દર્શનાર્થો ગયા હતા. જ્યાં શનિવારના રોજ શનિ દેવ દર્શન કરી રાત્રીના સમયે શિરડી પહોંચી ગયા હતા. જ્યાં હોટલમાં રૂમ રાખીને રોકાયા હતા. તેમજ ગાડી માલિક મેહુલ પરમાર પાર્કિંગમાં મુકેલી ગાડીમાં જ સુઇ ગયો હતો. આ દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં દરવાજો કોઇકે ખટખટાવતાં મેહુલે દરવાજો ખોલતાં જ લૂટારુઓએ રિવોલ્વર બતાવી બંધક બનાવી દીધો હતો તેમજ તેની પાસેના નાણાં ખંખેરી લીધા હતા.

ત્યાર બાદ મેહુલને સૂમોમાં પાછળના ભાગે દોરીથી બાંધતાં હતા. ત્યારે મેહુલ ધક્કો મારીને ભાગી છુટયો હતો. લૂંટારૂઓ હોટલના તમામ દરવાજા બહારથી બંધ કરી સુમો ગાડી લઇને ભાગી છુટ્યા હતા. ગાડી માલીક મેહુલ પરમારે ચોકીદારને બોલાવી પોલીસને જાણ કરતા પોલીસે નાકાબંધી કરાવી હતી. પરંતુ લૂંટારૂઓ પકડાયા ન હતા. આ બાબતે મેહુલ પરમારે રાહતા (મહારાષ્ટ્ર) પોલીસ મથકે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી દર્શનાર્થો આવેલા ગુજરાતી ભક્તોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

સુમો નાસિક નજીકથી બિનવારસી મળી

શિરડીમાં લૂટારુઓએ આઠ બસોનો સામાન તથા અન્ય દુકાનોમાં લૂંટ કરી તેનો સામાન આ સૂમોમાં લઇને ભાગી છુટયા હતા. તેમજ આ સુમો નાસિક નજીકથી પોલીસને બીનવારસી મળી આવતાં પોલીસે માલીકને જાણ કરતા તેઓ શિરડી જવા રવાના થયા છે.