Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
આ રીતે બનાવાતું હતું નકલી ઘી, બેની ધરપકડBack to News Index
- દાહોદના મંડાવાવ રોડ પર એલસીબીનો દરોડો
- અઢી લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
- ઘીનો સ્ટોક રાખનાર ફરાર થઇ ગયો
- ઘી બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરાયો
દાહોદ શહેરમાં બનાવટી ઘીને ચોખ્ખા ઘીમાં ખપાવી વેચાણ કરવામાં આવતાં હોવાના કૌભાંડનો પદeાફાશ થયો હતો. એલસીબી પોલીસે મંડાવાવ રોડ વિસ્તારમાં દરોડો પાડીને ઘી બનાવતી ફેકટરી જ ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો હતો. સાથે દોલત ગંજ બજારમાં એક વેપારીને ત્યાં વેચવા માટે મુકેલા બનાવટી ચોખ્ખા ઘીના ૮૧ ડબ્બા અને ગોડાઉનમાંથી વધુ ૩૧ ડબ્બા સાથે ૧૧૨ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતાં. પોલીસે ઘી તેમજ બનાવવાના વિવિધ સાધનો જપ્ત કરીને મુખ્ય સૂત્રધાર એવા બે પિતરાઇ ભાઇઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ૨.૬૬ લાખ નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત શક્તિ નગર વિસ્તારમાં રહેતાં પુનિત કૈલાસચંદ્ર ખંડેલવાલ અને અભિષેક રાધેશ્યામ ખંડેલવાલ બનાવટી ઘી બનાવી તેનું ચોખ્ખા ઘી તરીકે વેચાણ કરતાં હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે મંગળવારની સવારે એલસીબી પોલીસે બંને પિતરાઇ ભાઇઓની સંયુક્ત માલિકીના ઘરમાં દરોડો પાડતાં ત્યાં ઘી બનાવવાનું કારખાનું મળી આવ્યું હતુ. પોલીસે કારખાનામાંથી ત્રણ સિલિન્ડર, ત્રણ સગડી, બે વજન કાંટા, ડબ્બા પેક કરવાના બે મશીન, ચોખ્ખા ઘીના એસેન્સની દસ બોટલો અને સોયાબિન તેલના ૨પ ખાલી ડબ્બા જપ્ત કર્યા હતાં.
પોલીસે પુનિત અને અભિષેકની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેઓ આ બનાવટી ઘીને ચોખ્ખા ઘી તરીકે શહેરના દોલત ગંજ બજાર માં દુકાન ધરાવતાં મુકુંદ લક્ષ્મીનારાયણ મહેતાને ત્યાં સપ્લાય કરતાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મુકુંદ મહેતાની દુકાને દરોડો પાડી નકલી ઘી ભરેલા ૧પ કિલોના ૩૯ જ્યારે પાંચ કિલોના ૪૨ ડબ્બા જપ્ત કર્યા હતાં. ઘી અને બીજો સામાન મળીને કુલ ૨.૬૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનાથી દાહોદમાં ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે એલસીબીના ફુલસીંગભાઇની ફરિયાદ આધારે પોલીસે પુનિત, અભિષેક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ રીતે બનાવાતું હતું નકલી ઘી
લોકો સાથે છેતરપિંડી કરતાં લોભિયા ૧પ કિલો ચોખ્ખું ઘી બનાવવા માટે સાડા સાત કિલો સોયાબિનનું તેલ અને સાડા સાત કિલો વનસ્પતિ ઘીમાં માત્ર બે જ ઢાકણ ચોખ્ખા ઘીનું એસેન્સ નાખતાં હતાં. ત્યાર બાદ તેઓ તેનું મિશ્રણ કરીને કોઠીઓમાં ભરીને તેને ઉકાળી લેતા હતાં. આ મિશ્રણ ઠંડુ પડ્યા બાદ તેમાંથી સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની સ્મેલના સ્થાને એસેન્સના કારણે માત્ર ચોખ્ખા ઘીની જ સ્મેલ રહી જતી હતી. ત્યાર બાદ તેઓ આ ઘીનું પેકિંગ કરીને તેને ચોખ્ખા ઘી તરીકે માર્કેટમાં પધરાવતાં હતાં.
મન ફાવે તે લેબલ લગાવી દેતા હતા
બનાવટી ઘી બનાવી તેનું ચોખ્ખા તરીકે વેચાણ કરવા માટે કૌભાંડીઓ ડબ્બા ઉપર પંચામૃત, જામખંભાળિયા, સંપ્રીતિ, ધમશ્રી, ફોરમ, અમુલિયા સહિતની બ્રાન્ડના લેબલો લગાવીને તેનું વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે કબજે લીધેલાં ડબ્બાઓ ઉપર તો લેબલ લગાડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવટી ઘી બાળકો માટે ઘાતક
ડૉ. ઇઝહાર શેખે જણાવ્યું હતું કે, આવું બનાવટી ઘી નિયમીત ખાવાથી પેટ અને આંતરડાના રોગો થવાની શક્યતા ચોક્કસપણે રહેલી છે. આ ઉપરાંત આવું બનાવટી ઘી જો બાળકોને આપવામાં આવે તો તેનાથી તેમને નાની ઉંમરમાં જ પેટનાં રોગો થતાં જેની સારવાર લાંબા સમય સુધી ચાલી શકે છે. આવા પ્રકારનું ઘી બાળકો માટે ખુબજ ઘાતક ગણી શકાય તેમ છે.
પ૦૦ મિલિ લિ. એસેન્સની કિંમત ૨૬૦ રૂપિયા
સોયાબીનના તેલ અને વનસ્પતિ ઘીમાંથી ચોખ્ખું ઘી બનાવવામાં મહત્વની ભુમિકા ભજવતા પ૦૦મીલી લીટર એસેન્સની કિંમત ૨૬૦ રૂપિયા છે. બનાવટ તારીખથી આ એસેન્સનો ઉપયોગ ત્રણ વર્ષ સુધી કરી શકાતો હોવાનું તેની બોટલ ઉપર લખેલું જોવા મળ્યું હતું.
